હમણાં ફેસબુક પર એક પહાડી વરસાદી સાંજનો ફોટોગ્રાફ જોયો. કોઈ હિલસ્ટેશન હતું જેમાં ટુરિસ્ટ લાગતી છોકરીઓ છત્રી લઈ સાંકડા પહાડી રસ્તા પર ચાલતી હતી. એ હિમાલયમાંનું કોઈ પર્વતીય ગામ હતું. પછી તો જાણે એક આખો પહાડ મારામાં ફૂટી નીકળ્યો હતો. એક સાથે ઘણી વાતો યાદ આવી હતી; હિમાલયના પર્વતીય નગરોના પ્રવાસ વર્ણનો, ફેસબુક પર પોસ્ટ થતા રહેતા હિમાલયના ફોટોગ્રાફ્સ, વીનેશ અંતાણી ની ‘અહીં સુધીનું આકાશ’ નવલકથાનું ડેલહાઉસી, નિર્મલ વર્માનું ‘પરીંદે’ વાળું સિમલા, ભોળાભાઈ પટેલનું ‘દેવોની ઘાટી વાળું’ કુલું-મનાલી-સિમલા અને ‘પૂર્વોત્તર’ વાળું શીલોંગ અને મારી કલ્પનાઓમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા આ બધા નગરોના સ્વરૂપો! પર્વત, વરસાદ અને સાંજ ત્રણેય સ્વતંત્ર રીતે પણ ગમે છે. અને આ તો ત્રણેયના કોકટેલની વાત!
ધીમે ધીમે પર્વતીય સાંજ મન પર છવાતી ગઈ હતી. એક એવી સાંજ કે જે હજું જીવાયી નથી. કદાચ જીવાશે કે કેમ એ વિશે પણ શંકા છે. ત્યાં હું છું અને હંમેશા ગમતા બે ત્રણ અંતરંગ મિત્રો છે. શિયાળાની થરથરતી રાત છે. હિલસ્ટેશન પર કોઈ હોટલ કે ફોરેસ્ટ બંગલાના ખીણ તરફના બેકયાર્ડમાં તાપણા આસપાસ અમે બેઠા છીએ. પહાડી નગર પર પાછલી રાતનો અંધકાર ઉતરી આવ્યો છે. તમારા-કંસારીના અવાજો વચ્ચે હવામાં જંગલના પ્રાચીન લાકડાની અને રાત્રી ફૂલોની મહેક છે. ગાઢ અંધકાર વચ્ચે તારલીયાઓની ચાદર ખીણમાં છેક ક્ષિતિજ લગી પથરાઈ છે .
ફાનસના આછા પ્રકાશમાં શરૂ થયેલ લાંબું ડિનર પૂરું થયા બાદ બધા તાપણા આસપાસ આવી ગયા છે. હિલસ્ટેશનની કાજળઘેલી રાત્રીમાં બિયર સાથે એકલતા,ગમતા દોસ્તોની હાજરીનો અને ગમતા લોકોની ગેરહાજરીનો નશો પણ ભળ્યો છે. એક બીજાની ખેંચવાનો દોર શરૂ થાય છે. નાની નાની વાત પર બધા જોર જોરથી હસ્યા કરે છે. પોતાની મૂર્ખાઈ, નાદાની કે નિષ્ફળતાની વાતો દોસ્તોના મોઢે સાંભળવી ગમે છે તો પોતાના પરાક્રમોની વાતો દોસ્તોને સંભળાવવી પણ ગમે છે. અગાઉ કેટલીય વાર કહેવાઈ-ચર્ચાઈ ચુકેલી જૂની વાતો આજે ફરી ફરી પ્રસ્તુત થાય છે. આ પુનુરાવૃત્તિ બધાને ગમે છે- દોસ્તોની ટીકાઓ મીઠી હોય છે.
પછી વાતોના વિષય બદલાતા રહે છે. સમય પણ જાણે અમારી ઈર્ષા આવતી હોય એમ ઝડપથી વહેવા લાગે છે. ધીમે ધીમે વધતી રાતનો નશો બધાની આંખોમાં ઉતરી આવે છે. જીવાતી જિંદગી અને જીવવી હતી તે જિંદગી વચ્ચે નો તફાવત બધાની આંખોમાં ડોકાય છે. હવે વાતોમાં અલ્લડતા અને મુગ્ધતાનું સ્થાન ક્રૂર વાસ્તવિકતા લઈ લે છે. કોઈ ઇચ્છતું નથી કે આ રાત પુરી થાય પણ સમય આગળ કોઈ નું ક્યાં કઈ ચાલે છે? સવારના ચારેક વાગવા આવે છે. હવે થોડું સૂવું પડશે. છેલ્લે મસાલેદાર ચા અને રતલામી સેવનું ફરમાન થાય છે. અગાઉના આયોજન પ્રમાણે વેઈટર-ખાનસામા તે લઈ આવે છે. બધા ગળે મળે છે. સુવા માટે પથારી તરફ ચાલે છે ત્યાં ક્યાંક દુર સૂરજનું પ્રથમ કિરણ બધાને ગુડ બાય કહેવા ઝડપ કરે છે..
#અલિપ્ત
એક પર્વતીય સાંજે…
This entry was posted in Uncategorized. Bookmark the permalink.
Really really really heart touching brother
thank you bro.